300 દીકરીઓને એક સાથે મહેશ સવાણીએ સાસરિયે વળાવી, જુઓ ઈમોશનલ તસવીરો…

મહેશ સવાણીએ ફરી માનવતાના દર્શન કરાવ્યા છે. સેવા કાર્ય માટે લોકોમાં ફેમસ મહેશ સવાણીએ આ વર્ષે ફરી 300 પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવ્યા છે. અત્યાર સુધીમાં હજારો દીકરીઓના લગ્ન કરાવનાર મહેશ સવાણીને સેવા અવિરત ચાલુ જ છે.

સુરતના અબ્રામા ખાતે આયોજિત સમુહલગ્નમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેમાં મહેશ સવાણીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા ત્યારે દીકરીઓ મહેશ સવાણીને બાથ ભરીને હીબકે હીબકે રડી હતી.

પિતાવિહોણી દીકરીઓના પિતા બની સગી દીકરીઓની જેમ તેમના લગ્ન કરાવવા માટે જાણીતા પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને જાનવી લેબગ્રોન ડાયમંડ દ્વારા તા.24 અને 25 ડિસેમ્બરે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે પિતાવિહોણી 300 દીકરીઓના ભવ્ય ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવ યોજાયો હતો.

પ્રથમ દિને લગ્નોત્સવમાં સહભાગી થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 150 નવદંપતિઓને સુખમય દામ્પત્યજીવનના આશીર્વચન પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે.

‘કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ 2012થી સામૂહિક લગ્નોત્સવ બાદ હવે આ વર્ષે પણ જાનવી લેબગ્રોન ગ્રુપના રમેશભાઈ લખાણી પરિવારના સહયોગથી ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવ યોજી રહ્યા છે, જેનો સહર્ષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ સવાણી અને લખાણી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

દીકરીઓને આશિર્વાદ અપાયા

સવાણી ગ્રૂપની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરતા જણાવ્યું કે, જાતે કમાઈને જાતે ખાવું એ પ્રકૃતિ છે, પણ જાતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે. જેની પ્રતીતિ સવાણી અને લખાણી પરિવારે કરાવી છે.

આઝાદીના અમૃત કાળના અવસરે દામ્પત્યજીવનનો પ્રારંભ કરી રહેલી દીકરીઓ સાસરે સુખ, સમૃદ્ધિ, એકતા સંપ અને કાર્યદક્ષતાના અમૃત કાળનું સર્જન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી સૌ નવદંપતિઓને નવા જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ લગ્ન એ બે કુટુંબને જોડતી કડી હોવાનું જણાવી ઉમેર્યું કે, સંગઠિત અને પ્રગતિશીલ સમાજ દ્વારા યોજાતા સમુહ લગ્નો કરકસર અને સંયમનું પ્રતિબિંબ છે. સમુહ લગ્નો પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની ઉન્નતિને વેગ મળે છે.

પિતાવિહોણી દીકરીઓનો અનોખો સમુહલગ્નોત્સવ એ સર્વ સમાજની દીકરીઓને નવી ખુશી, નવી ઉર્જા પ્રદાન સાથે સદ્દભાવ, સમભાવનું કેન્દ્ર બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

નારીત્વનું ઉદાહર પૂરૂ પાડવા શીખ અપાઈ

પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પી.પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પી.પી.સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ 4572 થી વધુ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.

તેમણે જીવનના નવા પડાવમાં જઈ રહેલી દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે, સાસરે જઈને પરિવારને સ્નેહના તાંતણે બાંધજે, વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. ઉત્તમ નારીત્વનુ ઉદાહરણ પૂરૂ પાડજે, ઉત્તમ વહુ અને માતા બનીને ઉચ્ચ સંસ્કારયુકત સંતાનોને જન્મ આપવાની શુભકામનાઓ પાઠવી હતી.

ધર્મ મુજબ લગ્નવિધિ થઈ: એક દિવ્યાંગ દીકરીના પણ લગ્ન થયા

લગ્નોત્સુક દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. દરેક સમૂહ લગ્નમાં તમામ ધર્મની દીકરીઓના તેમના ધર્મ, રિતીરિવાજ મુજબ લગ્ન કરાવાય છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઈની દરેકના ધર્મ મુજબ થશે.

આ સમારોહમાં એક દિવ્યાંગ(મૂકબધિર) દીકરીએ પણ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. લગ્નોત્સવમાં મહારાષ્ટ્રીયન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી દીકરીઓ જોડાતા આ અવસર વિવિધતામાં એકતાની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *