પહેલીવાર જુઓ પ્રમુખસ્વામી નગરના કીચનની અંદરની અદભુત તસવીરો….
‘ન ભૂતો ન ભવિષ્યતિ’ ગુજરાતના આંગણે એક એવો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની વિશ્વ નોંધ લઈ રહ્યું છે. અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે.
આ નગરની મુલાકાતે આવનારા હરિભક્તો સહિત પ્રજા માટે નગરમાં વિવિધ સ્થળે 30 પ્રેમવતી ઊભી કરવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારના નાસ્તાથી લઈને ભોજન સહિતની વસ્તુઓ મળી રહી છે. આ માટે એક વિશાળ કિચન બનાવવામાં આવ્યું છે.
આ કિચનનું મેનેજમેન્ટ ખૂબ અદભૂત છે. અહીં હજારોની સંખ્યામાં સ્વંયસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. અહીં કરિયાણાથી લઈને માલ-સમાનના થપ્પા લાગેલા છે. એક સાથે આટલો જથ્થો તમે ભાગ્યે જ ક્યાંય જોયો હશે.
આ ઉપરાંત એક સાથે શાકભાજીથી લઈને ડેરી આઈટમ એમ અલગ અલગ રાખવામાં આવી છે. વિશાળ મોટા વાણસોમાં સ્વચ્છતા સાથે રસોઈ બનાવવામાં આવે છે. મેનેજમેન્ટ જોઈને તમે પમ ચકિત થઈ જશો.
આ અંગે ઓસ્ટ્રેલિયાથી શતાબ્દી મહોત્સવમાં આવેલા અને 11 નંબરની પ્રેમવતીનું આયોજન સંભાળી રહેલા નિલેશ મિસ્ત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘બાપાના શતાબ્દી મહોત્સવનો લહાવો લેવા માટે લાખો હરિભક્તો દેશ અને દુનિયામાંથી અહીં આવી રહ્યા છે.
ત્યારે 600 એકરમાં પથરાયેલા આ નગરમાં કોઈપણ જગ્યાએ ભીડ ન થાય અને લોકોને સરળતાથી પ્રસાદરૂપી ભોજન અને નાસ્તો મળી રહે એ માટે 30 જેટલી પ્રેમવતીનું નિર્માણ કરાયું છે.’
સ્વામિનારાયણ ખીચડી અને પિત્ઝા લોકોની પહેલી પસંદ..
નિલેશભાઈએ વધુમાં જણાવ્યું કે ‘પ્રેમવતીની અંદર ત્રણ કેટેગરીમાં વસ્તુઓ મળે છે. એક છે ગરમ ભોજન, બીજું છે નાસ્તા અને ત્રીજું છે ઠંડી વસ્તુઓ, એટલે કે કોલ્ડ્રિંક્સ અને આઇસક્રીમ.
આમ, જો મુખ્ય વાત કહું તો અહીં સ્વામિનારાયણ ખીચડી, ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ અને ફાસ્ટફૂડમાં પિત્ઝા આમ કુલ મળીને 100થી વધુ પ્રકારની વસ્તુઓ અહીં મળી રહી છે, પરંતુ સૌથી વધુ જો કોઈ વસ્તુની મુલાકાતીઓ ડિમાન્ડ કરતા હોય તો એ સ્વામિનારાયણ ખીચડી અને પિત્ઝા છે.’
રોજની 5 ટન ખીચડી હરિભક્તો ખાઈ જાય..
નિલેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘આ નગરની 30 પ્રેમવતી પૈકી મોટી પ્રેમવતીમાં રોજના 2500 કરતાં વધુ લોકો મુલાકાત લેતા હોય છે. સ્વામિનારાયણ ખીચડી અને પિત્ઝા ડિમાન્ડમાં છે, જેને કારણે માત્ર એક જ દિવસમાં 5 ટન ખીચડી બને છે અને લોકો એનો લાભ લઈ રહ્યા છે. ‘
સવારે 3 વાગ્યાથી કૂકિંગ માટે પ્રેમવતીનું રસોડું ધમધમે છે..
નિલેશભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ‘અહીં રોજના 1 લાખથી વધુ મુલાકાતીઓનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્યારે આટલા બધા લોકો સુધી ભોજન પહોંચાડવા માટે હાઈફાઈ ટેક્નોલોજીવાળા મશીનથી ભોજન તૈયાર કરીએ છે, જેને કારણે ખૂબ જ ઓછા સમયમાં ભોજન તૈયાર થઈ જાય છે. આ માટે સવારે 3 વાગ્યાથી રસોડું શરૂ થઈ જાય છે, જે રાત્રિના 10 વાગ્યા સુધી ધમધમે છે.’
3900 હરિભક્તો ખડેપગે પ્રેમવતીમાં સેવા આપે..
નિલેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ‘જો માત્ર પ્રેમવતીની વાત કરીએ તો 30 જેટલી પ્રેમવતીમાં 3900 જેટલા હરિભક્તો સેવા આપી રહ્યા છે.
જેમાં 1700 જેટલા હરિભક્તો પ્રોડક્શનની કામગીરીમાં જોડાયા છે, જ્યારે બાકીના 2200 જેટલા હરિભક્તો ફૂડ ડિસ્ટ્રિબ્યુશનથી લઈને ફૂડ સપ્લાયમાં જોડાયા છે. આ સમગ્ર 3900 હરિભક્તમાં 2200 મહિલા અને યુવતીઓ સેવા આપી રહી છે.’
ગુજરાત, મુંબઈ અને પુણેના હરિભક્તો પ્રેમવતીમાં સેવા આપે..
અમદાવાદમાં રહેતાં અને પ્રેમવતીના સંચાલકની કામગીરી કરી રહેલાં નીલાબેન ગદાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ‘અહીં સારી રીતે સંચાલન થઈ શકે એ માટે કસ્ટમર સર્વિસ, ફૂડ ડિલિંગ, કેશિયર, પ્રોડક્ટ મેનેજર જેવા વિવિધ વિભાગો બનાવ્યા છે, જેમાં મહિલાઓ બે શિફ્ટમાં કામ કરી રહી છે. પહેલી શિફ્ટ સવારે 7.30થી 3 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3 વાગ્યાથી 10 વાગ્યા સુધી હોય છે.’
2 મહિનાની ટ્રેનિંગ આપી વેલ ટ્રેન્ડ કરાયા..
નીલાબેન ગદાણીએ વધુમાં જણાવ્યું હતું કે ‘પ્રેમવતીમાં જેટલી પણ મહિલાઓ સેવા આપી રહી છે એ માટે અમને શતાબ્દી મહોત્સવ શરૂ થયો એ પહેલાં અંદાજે બે મહિના સુધી આ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોએ ટ્રેનિંગ આપી હતી, જેથી એ ટ્રેનિંગને કારણે અહીં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે છતાં પણ સુચારુ રીતે આયોજન કરી રહ્યા છીએ.’
10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનું ભોજન મળે..
સ્વામિનારાયણ નગરમાં વિવિધ વસ્તુઓ મળી રહી છે, જેમાં 14 પ્રકારના આઈસક્રીમ, 13 પ્રકારનાં નમકીન, 8 પ્રકારના ફાસ્ટફૂડ, 5 પ્રકારનાં ભોજન, 11 પ્રકારનાં ઠંડાં પીણાં અને 5 પ્રકારનાં ગરમ પીણાં મળી રહ્યાં છે. આમ, 10 રૂપિયાથી લઈને વધુમાં વધુ 100 રૂપિયા સુધીમાં વસ્તુઓ મળી રહી છે.
નોંધનીય છે કે 600 એકરમાં રચાયેલા આ વિરાટ મહોત્સવ નગરમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અનેક રીતે સૌ એક મહિના દરમિયાન વિશ્વભરના કરોડો લોકો પધારવાના છે.
અમદાવાદ શહેરના એસ.પી રિંગ રોડના કિનારે 600 એકરમાં રચાયેલા આ વિરાટ મહોત્સવ નગરમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અનેક રીતે સૌ એક મહિના દરમિયાન વિશ્વભરના કરોડો લોકો પધારવાના છે. તેથી અહીં સ્વચ્છતા બાબતે પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે.
પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય. આ વાક્યને જીવન મંત્ર બનાવીને 2150 સ્વયંસેવકો પ્રમુખસ્વામી મહારાજ નગરની સ્વચ્છતા વ્યવસ્થા માટે કટિબદ્ધ છે.
નગરના 600 એકરના વિશાળ પ્રાંગણમાં 200 એકરમાં દર્શનીય નગર છે, 400 એકરમાં પાર્કિંગ વિસ્તાર છે. તેમાંથી 38 એકરમાં રસોડું તેમજ 75 એકરમાં લોકો માટે ઉતારા (આવાસ)ની વ્યવસ્થા કરવામાં છે.
નગરના મુખ્ય ભાગમાં 21 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ ભૂભાગમાં પેવર બ્લોક પથરાયેલા છે. આ વ્યવસ્થા દર્શનીય નગરને ડસ્ટફ્રી બનાવે છે. નગરમાં 7 વિશાળ પ્રવેશદારો છે. દરેક દ્વારની બંને બાજુ વિશાલ શૌચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ટેમ્પરરી પણ પરમેનેન્ટ બાંધકામ કેવું હોઈ શકે તે અહીં 240 પાકા બાંધકામવાળા શૌચાલયો દ્વારા સાર્થક થયું છે. દરેક શૌચાલયની બહાર સુગંધી ફુલછોડનો નાનો બગીચો રચવામાં આવ્યો છે.
નગરમાં ઠેર ઠેર મળીને કુલ 1700થી વધુ કચરાપેટીઓ મૂકવામાં આવી છે. જેમાં એકઠા થનારા કચરાનું રોજેરોજ વર્ગીકરણ કરીને તેનો નિકાલ કરવામાં આવશે.
શાકભાજીના વેસ્ટમાંથી ખાતર બનાવાશે..
નગરમાંથી એકઠા થનાર અનુપયોગી ફ્રુટ અને શાકભાજીના વેસ્ટમાંથી કેટલુંક ખાતર બનાવવામાં વપરાશે. તદુપરાંત તેમાંથી સારો ભાગ એકત્ર કરી ગૌશાળાઓમાં ગાયોના ચારારૂપે પણ જશે.
સાથે જ ભેગા થનાર પ્લાસ્ટિકના કચરાનો પણ અનેક રીતે સદુપયોગ થઈ રહ્યો છે. અહીં પ્લાસ્ટિકની બોટલોને ભેગી કરીને તેમાંથી કલાત્મક રીતે કચરાપેટીઓ બનાવાઈ છે.
સ્વયંસેવકોમાં કેટલાક ડીગ્રીવાળા તો કેટલાક ઉદ્યોગપતિઓ..
અત્રે ઉલ્લેખનીય છે કે, નગરમાં પ્રતિદિન લાખો ભક્તો આવશે, તે નજરમાં રાખીને દર કલાકે ટોયલેટ બ્લોક સ્વચ્છ રાખવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રોગાણું નાશક દવાનો પ્રયોગ તેમજ ફોગસ્પ્રે દ્વારા મચ્છર દૂર કરવા નિયમિત છંટકાવ કરીને ભક્તોના સુસ્વાસ્થ્યનો પણ વિચાર કરવામાં આવ્યો છે.
વળી, આખા નગરનું ઝોન પ્રમાણે વિભાગીકરણ કરીને તેની સ્વચ્છતાનું સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે કુલ 10 સંતો અને 2150 જેટલા મહિલા અને પુરુષ સ્વયંસેવકો રાત દિવસ પુરુષાર્થ કરી રહ્યા છે. આ સ્વયંસેવકોમાંથી કેટલાક મોટી ડીગ્રી ધરાવે છે, વળી કેટલાક મોટા ઉદ્યોગપતિઓ પણ છે.